મંગળવાર, 15 ફેબ્રુઆરી, 2011

પ્રાર્થના.....

તમે પેલી સરકતી જતી રેતી વાળી સમયની શીશી જોઈ છે? આ શીશીના ઉપરના ભાગમાંથી રેત સરકતાં સરકતાં નીચેના ભાગમાં ભરાય છે.અહીં ખાસિયત એ છે કે તે રેતી સરક્યા જ કરે છે.તે રોકાતી નથી. આ જિંદગી પણ એ સરકતી રેતી જેવી છે. તે ક્યારેય અટકતી નથી. અન સતત ચાલી જતી આ જીંદગીમાં બીજું પણ એક ચક્ર સાથે સાથે જ ચાલ્યા કરે છે. તે છે સુખ-દુઃખ, હર્ષ-શોક, જય-પરાજય, લાભ-હાનિ, જન્મ-મૃત્યુ. અને હા! આ ચક્ર તોચાલ્યા જ કરશે, જ્યાં સુધી આ જિંદગી હશે.એ તો પ્રકૃતિનો વણલખ્યો નિયમ છે. અરે, એ તો એકાદ જન્મનું પણ નથી. જન્મોજનમથી ચાલતું આવેલું છે.


પણ માનવીય સ્વભાવ છે કે જયારે જીવનમાં દુઃખ આવે, શોક ઉત્પન્ન થાય, પરાજય મળે, કોઈ પ્રકારનું નુકશાન થાય, અથવા તો એકાદ નિકટના સ્વજનનું નિધન થાય ત્યારે જ તે પ્રાર્થના કરવા તરફ વળે. વિપરીત પરિસ્થિતિઓમાં જ માણસને જગન્નીયન્તાને યાદ કરવાનું સૂઝે. પ્રાચીન કહેવત છે ને કે "સુખમાં સાંભરે સોની, દુઃખમાં સાંભરે રામ". અર્થાત આ જીવને જયારે અજંપો થાય છે, અથવા તો તેને અજંપો થાય તેવા સંજોગો સામે આવી પડે છે, ત્યારે તેમાંથી બહાર નીકળવા માનવી પ્રાર્થનાનો રસ્તો પકડે છે. ટૂંકમાં તકલીફો માણસને પ્રાર્થના કરવા તરફ ધકેલે છે. અહી આપણને પ્રશ્ન એ થાય કે શું પ્રાર્થના ફળ મેળવવા માટે જ છે? અગર તો ફળપ્રાપ્તિ એ જ શું પ્રાર્થનાનો એકમાત્ર ઉદ્દેશ છે?

ના! ખરેખર તો આવું નથી. જો કે ફળની અપેક્ષા સહીત કરેલી પ્રાર્થના પણ સાચી પ્રાર્થના જ છે, પરંતુ અહી જો થોડી સમજણ કેળવીએ કે ફળને બાજુએ મુકીને, કંઈપણ મેળવવાની આશા સિવાય કરેલી પ્રાર્થના એ પ્રાર્થનાનું એક ઉપરનું પગથીયું છે. ટૂંકમાં પ્રાર્થના એ અંતરની અભિવ્યક્તિ છે. નિઃસ્વાર્થ ભાવથી પ્રભુ આગળ કરેલી અરજ એનું નામ પ્રાર્થના. કશી ગરજને કારણે નહીં પણ હૃદયની સાહજીકતાથી ભગવાન પાસે કરેલી ભાવાંજલિ એનુંનામ પ્રાર્થના. પ્રાર્થનામાં સહજતા એ આત્યંતિક જરૂરી બાબત છે.અહી દંભને કો સ્થાન નથી. જ્યાં દંભ કે દેખાડો છે, ત્યાં પ્રાર્થનાનું જે અસ્સલ સ્વરૂપ છે, તે ક્યારેય ઉદભવિત થતું નથી. બીજી બાબત કે સહજતાની સાથે સાથે પ્રાર્થના કરતી વખતે હૃદયને ઋજુ અને કૃતજ્ઞ બનાવવું પડે. જીવનમાં સતત એવી સભાનતા કેળવવાની કે જે કંઈ મળ્યું છે, અત્યારે હું જે કંઈ છું, તે ઈશ્વરીય કૃપા છે. વર્તમાન જીવનમાં મેળવેલી કોઈ પણ પ્રકારની સિદ્ધિ ની પાછળ પરમ કૃપાળુ પરમેશ્વરનો હાથ છે, તે જીવનમાં હંમેશા યાદ રાખવાની ટેવ પડવી જોઈએ. કૃતજ્ઞતા ને પગલે હૃદય એકવાર નિર્મળ બને, પછી તેમાંથી ઉદભવિત થતા ભાવો અનાયાસ જ પ્રાર્થનામય ઝરણું બની વહેવા લાગે છે.

અંગ્રેજીમાં કહેવત છે કે "prayer needs no speech ". શબ્દો એ તો માધ્યમ છે.શબ્દો તો આપણા હદય ના ભાવને પરમશક્તિ સુધી લઇ જવાનું એક સાધન માત્ર છે. બાકી સાચું પરિબળ તો છે હૃદયનો નિર્મળ ભાવ. આપણે પ્રાર્થના કરતી વખતે પ્રસાદ, ફળ, ફૂલો, આ બધું ભગવાનને ધરાવીએ છીએ, પણ આ બધાનો નિર્માતા તો સ્વયમ જગન્નાથ પોતે જ છે. તેથી આ

બધી જ પૂજાની સામગ્રી સાથે આપણા હૃદયનો ભાવ કેટલા ટકા મિશ્રણ થયેલો છે તેનું પરિક્ષણ કરવામાં આવે છે. અને હા! ફળની વહેંચણી કે વર્ગીકરણ પણ ઉપરવાળો આ ટકાવારીના આધારે જ કરે છે.

તેથી તો કહે છે કે જેમ અન્ન એ શરીરનો ખોરાક છે તેમ પ્રાર્થના એ મનનો ખોરાક છે.આત્માનો ખોરાક છે.પૂ. ગાંધીજી કહેતા કે " હું ખાધા વિના રહી શકું, પણ પ્રાર્થના વગર નહીં." પ્રાર્થનાને આત્માનો ખોરાક એટલા માટે કહ્યો છે કે અન્નથી જેમ આ હાડ-માંસનું શરીર પુષ્ટ બને છે તેની વૃદ્ધિ થાય છે તેવી જ રીતે પ્રાર્થનાથી આપણું મન, બુદ્ધિ અને અંત:કરણ પુષ્ટ બને છે. મજબુત બને છે.પ્રાર્થના કરીએ ત્યારે આપણે અંદરથી સમૃદ્ધ થતા હોઈએ છીએ. પ્રત્યેક માનવીમાં શક્તિનો એક સ્ત્રોત વહેતો હોય છે. પણ ઘણીવાર એનું દર્શન નથી થઇ શકતું, તેની પિછાણ નથી થઇ શકતી. પ્રાર્થના થી આ શક્તિઓને ઓળખવાનું, તેને જાગૃત કરી, જીવનમાં તેનું application કરવાનું પગથીયું નિર્માણ થાય છે. મતલબ કે પ્રાર્થનાથી આપણને સામર્થ્ય મળે છે.

સુખ-દુ:ખ, હાર-જીત, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ, આ બધાં તો માનવ જીવનથી અલગ ના કરી શકાય તેવાં દ્વંદ્વો છે. જીવનમાં સારું-નરસું કે તડકો-છાંયો જે કંઈ આવે તે તો આપણાં પોતાનાં જ અગાઉ કરેલાં કર્મોનું પ્રતિબિંબ હોય છે, તેની ફલશ્રુતિ હોય છે. તેનાથી પલાયન થવાનો કોઈ ઉપાય જ નથી. પરંતુ સામે આવીને ઉભી રહેલી ઉભય પરિસ્થિતિઓ માં સમતોલપણું જાળવવા કે સમતા યા સમભાવ કેળવવા માટે જે આંતરિક બળ જોઈએ તે પ્રાર્થના થી મળે છે. પ્રાર્થના રૂપી ત્રાજવું બંને પરિસ્થિતિઓમાં આપણને બેલેન્સ રાખે છે. જીવનમાં થતો પ્રત્યેક અનુભવ આપણને ઘડવા માટે આવે છે. અનુભવો આપણને વિકસવામાં બહુ જ મદદરૂપ થાય છે. જીવનમાં થતા સારા અનુભવો તો વખતે બહુ વાંધો નથી આવતો, પણ જયારે કટુ અનુભવો થાય ત્યારે જાતને સંભાળવા માટે પ્રાર્થના છે.

શરીના લોહીનો કચરો જેમ ડાયાલીસીસ કરાવવાથી સાફ થાય તેમ મન અને અંત:કરણનો કચરો પ્રાર્થના રૂપી ડાયાલીસીસ થી સાફ થાય છે. પ્રાર્થનાનું બીજું એક બહુ અગત્યનું પરિબળ છે વિશ્વાસ. પ્રાર્થનાનું ફળ મળવાનું જ છે તેવો અતુટ વિશ્વાસ મનમાં ઉત્પન્ન થવો જોઈએ. જયાં સુધી પાકો ભરોસો ના બેસે ત્યાં સુધી આ મર્કટ મન તેમાં લાગતું નથી. કારણકે આપણો સ્વભાવ જ એવો પડી ગયો છે કે incentive વગર ક્યાંય આ મન રૂપી ભ્રમર બેસે જ નહિ. અહીં સત્ય એ છે કે ફળ તો મળે જ છે પણ ક્યારેક તેના સમયની નિશ્ચિતતા નથી હોતી. ક્યારેક તુરંત તો ક્યારેક કેટલાંક વર્ષો સુધી કે પછી કેટલાક કિસ્સામાં તો વળી કેટલાય જન્મો સુધી ફળની રાહ જોવી પડતી હોય છે. વર્તમાન અણુ યુગમાં આપણે આપણી જાતને બુદ્ધિમાન તરીકે ખપાવીએ છીએ, અને તેથી જ તો પ્રત્યેક વાત કે વસ્તુને તર્કના ત્રાજવે તોળ્યા વિના રહી નથી શકતા. પરંતુ પ્રાર્થના એ તો શ્રદ્ધા અને અનુભૂતિનો વિષય છે. શુષ્ક તર્કોને અહીં કોઈ સ્થાન નથી. આ તો જીવનમાં કરવા લાયક એક અમુલખ અનુભવ છે. આપણા અંતરના કોઈ એકાદ ખૂણામાં એ ચૈતન્ય રૂપ તત્વ અજ્ઞાતરૂપે બેઠું જ હોય છે. બસ! તેની સાથે merge થવાની જરૂર છે. એ તત્વ સાથે તાદાત્મ્ય સાધવા માટે તો પ્રાર્થના છે. તેના માટે તો આ મન અને ચિત્તને અંદર વાળવું પડે. એકવાર શરૂઆત કરીએ પછી ધીરેધીરે આ હૃદય એની મેળે જ પ્રાર્થના મય બને.

ઉપનિષદ માં ભગવાનને યમ કહ્યા છે. યમ એટલે નિયમન કરનાર. નિયામક. પ્રાર્થના કરીએ ત્યારે એ નિયામક ને આપણે અરજ કરે છીએ, કે મારો પગ આડો અવળો પડે તો પ્રભુ! તમે મને સાચવી લેજો. અને તે સાચવી લે છે, ઉગારી લે છે. એટલે કે અસત તરફથી સતના માર્ગે ચાલવાનું પ્રેરક બળ આપવાનું કામ પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરતાં કરતાં ધીર ધીરે ભાવના દ્રઢ બને પછી મન માંથી પ્રભુ પ્રત્યે નો ડર નીકળી જાય છે. અને તે ઈશ તત્વ પર પ્રેમ નીપજે છે. પ્રાર્થનાથી આપણી માનસિકતા નું પ્રભુ પ્રત્યેના ડર થી પ્રભુ પ્રત્યેના પ્રેમ માં પરિવર્તન થાય છે. આનો આપણા જીવન પર બહુ મોટો impact પડે છે.

પ્રાર્થનામાં સંજીવની શક્તિ છે. સંજીવની એટલે મૃતકને જીવિત કરવાની ક્ષમતા ધરાવનાર ઔષધ.મારો કહેવાનો આશય એ છે કે, પ્રાર્થનાથી કંઈ મડદાં બેઠાં નથી થતાં. પણ, હા! ગંભીર સંકટોમાં આવી પડેલો, વિકટ અને દુ:સહ પરિસ્થિતિઓના જાળા માં અટવાઈ ગયેલો માનવી માનસિક રીતે જયારે હતાશ અને મૃતપ્રાય બને તેવા સમયે, પ્રાર્થનાના બળે તે નિરાશારુપી અંધકૂપ માંથી બહાર આવી એક નવું જીવન પામી શકે છે. તમને ખબર છે તેમ, આપણને દરેકને પસંદ-નાપસંદ હોય છે. ઠીક તેવી જ રીતે પ્રભુને પણ પસંદ-નાપસંદ હોયછે. તેને અંગ્રેજીમાં likes and dislikes કહે છે. હવે આપણે ભગવાનને likable છીએ કે dislikable તે આપણા જીવનની ઢબ ઉપરથી નક્કી થાય. અને જગતના નાથને ગમતા એટલે કે likable થવું હોય તો દૈવી ઢબે જીવન જીવવું પડે, જેની ગુરુચાવી પ્રાર્થનાથી મળે છે.

એટલે પ્રાર્થના આપણા જીવનને પ્રવૃત્તિમય બનાવે છે એટલું જ નહીં તે આપણને અન્તમાંથી અનંત તરફ, અજ્ઞાન માંથી જ્ઞાન તરફ, ક્ષણિક્તા માંથી શાશ્વતતા તરફ, અને મૃત્યુ માંથી અમૃતમય જીવન તરફ જવાનો રાહ દેખાડનાર દીવાદાંડી છે. તો આપણે પણ આ દીવાદાંડીનો સહારો લઇ આપણને મળેલા આ મુલ્યવાન જીવનને એક દૈવી ટચ આપવાની કોશિશ કરીએ અને તેમ કરવા કૃપાનિધાન પરમેશ્વર આપણ સૌને સર્વ પ્રકારે બુદ્ધિ, શકિત, સમજણ આપે, એજ અભ્યર્થના...........