રવિવાર, 16 મે, 2010

પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો....





કોઈ એકાદ ચિત્રકાર જયારે ચિત્ર બનાવતો હોય ત્યારે તેના ઉઠાવ (get up )પરત્વે તેની દ્રષ્ટી હોય છે.યોગ્ય રંગોનું મિશ્રણ , યોગ્ય background આ બધું એપ્લાય કરી તે છબી કે ચિત્રને મહત્તમ ઉઠાવ આપવા પ્રયત્ન કરે છે.મતલબ કે ફોટા માંના રંગો,તેની પૃષ્ટ્ભુમી આ બધા પરથી તે ઉપસી આવે છે.તેને એક getup મળે છે.આપણા જીવનનું પણ ઠીક તેવુંજ છે. ગુણ કે અવગુણ -આ બેમાંથી જેનું એપ્લીકેસન વધારે , તે મુજબ આપણા જીવનનો ગ્રાફ ઉંચો કે નીચો જતો હોય છે.જીવનને ઉઠાવ મળતો હોય છે.પરંતુ અહીં એક વાત છે,કે અવગુણો તો ખેતરમાં ઉગી નીકળતા નકામા ઘાસની જેમ આપમેળે જ વિકસતા હોય છે. કેન્સરના કોષોની માફક જ તેનો ગ્રોથ રેટ બહુ ઉંચો હોય છે.જયારે ગુણોને તો જીવનમાં વિકસાવવા પડે છે.જીવનમાં તેની રોપણી કરવી પડે છે.છોડને જેમ પાણી પાઈને ઉછેરીએ તેમ ગુણોને સીંચવા પડે છે.વાત કરીએ છીએ એટલું એ સહેલું નથી.અઘરું છે.સમયનું વહેણ, અપકીર્તિ,લોક-ડર, સામાજિક અવમાનના -આ અને આવા કંઈક અવરોધો સામે આવે.રાજા હરિશ્ચંદ્ર ની જેમ ક્યારેક જાતને પણ હોડમાં મુકવી પડે.પણ હા !એકવાર સદગુણો જીવનમાં વણાઈ જાય પછી માણસના ખરેખરા વ્યક્તિત્વ નું નિર્માણ થતું હોય છે.અને ગુણ વગરનો જ્ઞાની તો ભગવાનને પણ સ્વીકાર્ય નથી.અર્થાત ગુણોની જીવનમાં બહુ કિંમત છે.

હવે ભૂલ જુદી અને અવગુણ જુદો. ભૂલ તો જીવનમાં ક્યારેક થઇ જાય. પ્રકૃતિ(સ્વભાવ) વશ દરેકથી ભૂલ થઇ શકે. પણ એકવાર ઠોકર ખાધા પછી જે દિશા બદલી નાખે ,અથવા રસ્તો જોઇને ચાલે તે બચી શકે.એટલે કે એકાદવાર જીવનમાં ભૂલ કરનાર વ્યક્તિને કંઈ પતનની ખીણ ના તળિયે જઈને બેસવાનો વારો આવતો નથી.પણ જો એકાદ અવગુણ પાળ્યો હોય તો? તો તો પછી એ જીવનરૂપી નૈયાને ડૂબ્યે જ છુટકો, ભાઈ! અહીં સૌથી મોટી તકલીફ એ છે કે આપણે જ, આપણા અવગુણો નું દર્શન કરતા નથી.દર્શન એટલા માટે નથી કરી શકતા કે આપણો ઈગો વચ્ચે આવે છે.

ઈગો =અહંકાર = અહં = હું = I (કેપિટલ)

આ કેપિટલ આઈ છે તે હંમેશા ઉભો જ વપરાય.તે આડો થતો જ નથી.એક નદી ને એકવાર બહુ અહંકાર આવ્યો.સાગર પાસે જઈ મોટી મોટી બડાઈ મારવા લાગી.સાગરે કહ્યું કે તારી બધી વાત સાચી.પણ પેલા નેતરને મૂળમાંથી ઉપાડી નાખ તો જાણું.નદી તો વહેવા લાગી પૂરજોશમાં. જે કંઈ તાકાત હતી તે બધી વાપરીને, બરાબરના ધસારા સાથે તેણે આક્રમણ કર્યું.પણ પેલું નેતર તો પાણીના ધસારા થી વળી ગયું. અને પાણી ઓસરતાં જ તે તો પાછુ ટટ્ટાર થઇ ઉભું.નદીએ તો ફરીથી પ્રયત્ન આદર્યો. આમ બે-ચાર વખત કર્યું પણ નેતરને ઉખાડી શકાયું નહીં.છેવટે થાકીને તે સાગર પાસે ગઈ. ત્યારે સાગરે કહ્યું કે કેમ? ગર્વ ઉતરી ગયો ને? નેતરને વળતાં આવડે છે, નમતાં આવડે છે તેથી તું તેને ઉપાડી નહિ શકે.ભાવાર્થ એટલોજ કે આપણે પણ જો આપણો ઈગો છોડીને આપણા દોષોનું દર્શન કરીએ તો ક્યારેક તો તેમાંથી નીકળવાનો માર્ગ મળેજ. અવગુણો થી મુક્ત થવું સહેલું નથી તેમ એટલું અઘરું પણ નથી.જીવનમાં એટલેજ ભક્તિની જરૂર છે. ભક્તિ એટલે મસ્તક નમાવવું. મસ્તક નમાવવું એટલે શરણાગતિ સ્વીકારવી. આપણે નમીએ છીએ ત્યારે આપણા મનનો અહંકાર નરમ પડે છે.મારા કરતાં કોઈ superior છે તેને હું વંદન કરું છું .નમસ્કાર કરું છું. એકવાર અહંકાર નરમ થાય પછી બુદ્ધિને કામ કરવાની તક મળે છે.મનમાં અહંનો વાયુ ભરેલો હોય તો બુદ્ધિ સાર-અસાર નો વિચાર કરી શકતી નથી.એટલે નમ્ર ભાવથી જે વિચાર કરી શકે છે, તે પોતાના ગુણ-દોષ નું સરવૈયું કાઢી શકે છે.નમ્રતા એ દોષો કાઢવાનું પહેલું પગથીયું છે.

ક્યારેક વળી માણસ પોતાના અવગુણો સાથે સમાધાન કરી લે છે. અવગુણ કે દોષોથી છુટવાનો જાણે કોઈ ઉપાય જ ના હોય તેવું માની બેસે છે.અને વળી આવું માનીને તે પોતાના અવગુણને પોષવા સારું કંઈ કેટલાંય મોટાં મોટાં જોખમો ઉઠાવે છે.જુઓ! ચોરી કરનાર વ્યક્તિ પોતાના જીવને જોખમમાં મુકે જ છે ને? અને વ્યભિચારી કે લંપટ વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા , પોતાની આબરૂ ને દાવ પર મુકતાં અચકાય છે ખરો? માણસ જાતનો બીજો એક સ્વભાવ છે કે તે હંમેશા પોતાના કરતાં બીજાના દોષો પ્રત્યે વધુ લક્ષ્ય આપે છે.હકીકતમાં આપણને પારકા વિશે અભિપ્રાય આપવાનો કોઈ જ હક નથી.કોઈ સત્તા નથી. આ બીજાના જીવનનું એક્ષેસ કોણ કરી શકે?જે પૂર્ણ હોય તે. તો આપણે વળી ક્યાં પરિપૂર્ણ કે અણી પૂણી શુદ્ધ યા દોષરહિત છીએ? માટે સૌથી પહેલાં આપણે આપણા ગુણ-દોષ નું મૂલ્યાંકન કરવું પડે.કઠણ છે.

આ સિવાય એક બહુ મોટો અવગુણ છે તે એ કે આપણે ભૂલતા નથી .કોઈએ આપણી સાથે કરેલો દુર્વ્યવહાર આપણે ભૂલી શકતા નથી. અંગ્રેજી માં આના માટે " grudge " એવો શબ્દ છે. મનમાં બદલાની આગ રૂપી ભઠ્ઠી કાયમ સળગતી જ હોય.ફાયદો શું?જાતે જ બળ્યા કરવાનું ને? જો ભૂલી જાવ તો? માફ કરી દો તો ? અને હા! માફ કરતાં આવડે તેમ માફી માગતાંય આવડવું જોઈએ.કોઈને માફ કરી દેવું એ બહુ મોટો ગુણ છે. જીવનને ઉંચે લઇ જવા માટે નું આ એક સ્ટેપ છે. અરે! તેં જે ભૂલો કરી છે, તારામાં જે દોષો છે, અથવા તો તારા વ્યવહારથી બીજાને જે મનદુઃખ થયું છે, જે આઘાત પહોંચ્યો છે, જે નુકશાન થયું છે તે બધું જો ઈશ્વર યાદ રાખે તો ? તો આ ધરા પર તારું અસ્તિત્વ પણ ના હોય મારા ભાઈ! કૃપાનિધાન પરમેશ્વર આપણને ડગલે ને પગલે માફ કરે જ છે ને?તેથી તો આ જીવનને ઉન્નત બનાવવાની દિશામાં પ્રયત્ન આરંભીએ ત્યારે તેને એક ઓપ આપવો પડે. ચાક પર ફરતા માટીના લોન્દાને કુંભાર જેમ સુંદર આકાર આપે તેમ આપણે પણ જીવનમાં ગુણોનું પ્રત્યારોપણ કરી તેને યોગ્ય આકાર આપવાની કોશિશ કરવી જોઈએ. ગાય કે ગધેડું ખેતરમાં પેસી પાક બગાડે નહીં તે માટે ખેડૂત ખેતરને વાડ કરે.આપણે પણ જીવનમાં અવગુણો રૂપી ગધેડાં પેસી ના જાય તે સારુ, સદવિચારો રૂપી, સદવર્તન રૂપી વાડ કરવી પડે. કોમ્પ્યુટર માં વાયરસ ના આવી જાય માટે આપણે એન્ટી-વાયરસ સોફ્ટવેર મુકીએ, સ્પાયવેર મુકીએ છીએ. પણ જીવનમાં કુવિચારો રૂપી કે અવગુણો રૂપી વાયરસ ઘૂસી ના જાય તે માટે સાવચેત આપણે કેટલા?

આ જગત વિકાસના પંથે છે. વિજ્ઞાનની કાખઘોડી બગલમાં રાખી આ માનવજાતિ સમગ્ર બ્રહ્માંડ ને પોતાની મુઠ્ઠી માં કરી લેવા નીકળી છે.પરંતુ સામે માનવીય મૂલ્યોનો હ્રાસ થતો જાય છે.નૈતિકતાને નેવે મુકીને, યેનકેન પ્રકારે સમૃદ્ધિ મેળવવાના પ્રયત્નો કરાય છે.એટલે એક દ્રષ્ટિ એ જોતાં તો સમય વિપરીત આવી રહ્યો છે. આવા કપરા કાળમાં આપણે વિશ્વેશ્વર ને પ્રાર્થના કરીએ કે આપણને અતુલ માનસિક બળ પૂરું પાડે જેથી આપણે જાતને સાચવી શકીએ. જીવનમાં શક્ય જે કંઈ ગુણોની વાવણી કરી હોય તેનું જતન કરી શકીએ. સદગુણો રૂપી સૈનિકોનું લશ્કર બનાવી અવગુણો રૂપી દુશ્મનો સામે લડી શકીએ. અને છતાં પણ જાણે-અજાણે થયેલી ભૂલો કે આવી ગયેલા દોષો માટે એટલું જ કહીએ - પ્રભુ! મોરે અવગુણ ચિત્ત ના ધરો.............

યુવામિત્રો તથા સામરખા ના તમામ નાગરિકો;


ગયા મહીને મારા બ્લોગ પર " સામરખા" વિશે આર્ટીકલ પોસ્ટ કર્યા બાદ, આપ સૌનો જે પ્રતિસાદ મળ્યો, તે બધી કોમેન્ટ્સ વાંચ્યા પછી હૈયું ખરેખર ગદગદિત થયું છે. તમો બધાનો પ્રેમ અને પ્રેરણાનું પીયુષ પીને મને પણ હવે આગળ લખવાનો પાનો ચડ્યો છે."સામરખા ભાગ-૨" હજી તૈયાર થઇ શક્યો નથી. કેમકે તેના માટે જરૂરી માહિતી ભેગી કરવાના પ્રયત્નોમાં છું. દરમ્યાન અગાઉ લખેલ એક આર્ટીકલ આજે પોસ્ટ કરતાં અતિ આનંદ ની લાગણી અનુભવું છું.

બે-ત્રણ મિત્રોએ પ્રશ્ન કર્યો કે બ્લોગનું નામ "એક યાયાવર" આપ્યું છે તેનો અર્થ શો? તે અંગે થોડી સ્પષ્ટતા કરવાનું જરૂરી લાગતાં અત્રે વિગતે વાત કરું. ' યાયાવર' એટલે રખડુ. રખડપટ્ટી કરનાર માણસ. મારો બ્લોગ બનાવતો હતો ત્યારે ટાઈટલ શું આપવું તેની દ્વિધામાં હતો. ત્યાં અચાનક જ આ નામ મને સુઝી આવેલું. હા! હું રખડુ છું. સાહિત્યની ગલીઓ માં રખડપટ્ટી કરવી એ મને અતિશય ગમતી વાત છે.બહુ બધાં પુસ્તકો આપી મને એક કોટડી માં પૂરી દે, તો જમવાના સમયે બેલ વગાડી થાળી મંગાવવાનું પણ મને કદાચ યાદ ના આવે.મતલબ એજ કે વાંચન એ મારો પ્રિય શોખ છે. પછી તે કોઈ પુસ્તક હોય કે પછી નેટ પરની કોઈ વેબ. આમ વિચારી 'યાયાવર' નામની માગણી કરી, પણ એ ડોમૈન અગાઉ જ 'બ્લોગર' પર કોઈએ નોંધાવી દીધેલ, જેથી 'એક યાયાવર' નોંધાવ્યું, જે નસીબજોગે મળી ગયું. અને અહીંથી મારી લેખણ પટ્ટી ની યાત્રા શરુ થઇ. આ યાત્રા ક્યારે અને ક્યાં અટકશે એ તો કોને ખબર? પણ હા! તમારો અને મારો સંબંધ કાયમ રહે, અતુટ રહે એવી અંતરની આશ છે. આ સંબંધ એક લેખક અને એક વાચકનો ના બની રહેતાં એક ભાઈ કે એક મિત્રનો બની રહે એજ અભિલાષા. વધારે તો મારા વિષે શું કહું????

"અમસ્તી મારી મેહનત પર ઘડીભર તો નજર કરજો


કહું છું ક્યાં કદી હું કોઈને મારી કદર કરજો"..............(અઝીઝ કાદરી)