બુધવાર, 7 એપ્રિલ, 2010

સગપણ કેવા રે બંધાયાં


…….નહીં સોય નહીં દોરો તોયે

………….કઈ રીતે સંધાયાં……

કોણે વાવ્યાં બીજ હૃદયની ક્યારીમાં માયાનાં

…….કોણે અંતરના અમરતથી જતન કર્યાં કાયાનાં

………….તાણા-વાણા અલગ છતાંયે

………………….વસ્ત્ર બની સંધાયાં…… સગપણ……

માણસ તો ભૈ લોભ-મોહને લાલચનો છે ભારો

…….પણ ભીતરમાં સત્ય-પ્રેમ-કરુણાનો છે સથવારો

………….લાગણીઓને તારે તારે

………………….હૈયાં રે સંધાયાં……. સગપણ……..

ઘર ઘર રમતાં હોય એમ મંડાયો છે સંસાર

…….આમ જુઓ તો લાખે લેખાં, આમ નહીં કંઈ સાર,

………….શ્રદ્ધા અને સબૂરી સાથે પ્રાણ સદા સંધાયાં……. સગપણ……

આંસુના તોરણની ઓથે ઝૂરે છે બે આંખો,

…….હૈયું છે પણ ધબકારની વાટ જુએ છે આંખો,

………….ઉડી ઉડીને પંખી અંતે માળો થઈ સંધાયાં…… સગપણ…..

કોઈ વળાવે, કોઈ વધાવે, કોઈ કરે કકળાટ,

…….કેવા કેવા ખેલ ખેલાતા, કેવા ઘડાતા ઘાટ,

………….જીવતર જેવા જીવતર સાથે સુખને દુ:ખ સંધાયાં-

………………….સગપણ કેવાં રે બંધાયાં….